વડોદરા મધ્યવર્તી પુસ્તકાલય તથા એનો ઇતિહાસ

પુસ્તકાલય એટલે એક એવું સ્થળ કે જે વાંચનની ભૂખ મિટાવે છે. પુસ્તકાલય પોતે એક શાળા છે. ગુરુ વિનાની શાળા જે આપણ ને જિંદગી ની પરીક્ષા માટે તૈયાર કરે છે. અહીં પુસ્તકો જ ગુરુ છે જે જીવન ના પાઠ શીખવાડે છે. અને જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરતા શીખવાડે છે. તો ચાલો આવા સુંદર વિચારો સાથે તૈયાર થયેલા વડોદરા મધ્યવર્તી પુસ્તકાલય વિશે આજે વાત કરીએ.

મહારાજા સયાજીરાવ ગાયકવાડ મરાઠા રાજવંશી સાથે જોડાયેલા હતા. પણ વડોદરા ના મહારાજા એ ઉત્તમ સાંસ્કૃતિક વારસો આપ્યો. લક્ષ્મી વિલાસ પેલેસ, કીર્તિમંદિર અને બીજું ગણું બધું અને આમાંનો એક ઉત્તમ સાંસ્કૃતિક વારસો એટલે આપણું વડોદરા મધ્યવર્તી પુસ્તકાલય.

સયાજીરાવ ગાયકવાડ કે જેમણે સૌ પ્રથમ પ્રાથમિક શિક્ષણ ફરજીયાત કરવાની પહેલ કરી હતી. આવા સયાજીરાવ એ 1906 માં આટલા વિશાળ પુસ્તકાલય ખોલવાનો નિર્ધાર કર્યો કે જેથી શિક્ષિત સમાજ નું નિર્માણ કરી શકાય. ચાલો વડોદરા ના આટલા સુંદર પુસ્તકાલય ના ઇતિહાસ તરફ એક નજર ફેરવીએ.


વડોદરા મધ્યવર્તી પુસ્તકાલય નો ઇતિહાસ

૧૯૧૦-૧૧ માં બનેલા મધ્યવર્તી પુસ્તકાલય નો ખરો જન્મ તો ૧૯૦૬ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે જ થઇ ગયો હતો. તેનું ખરું બાંધકામ તો ૧૯૩૧ માં પૂરું થયું હતું ને તે વખતે પણ ૪ લાખ જેટલો બાંધકામ ખર્ચ અને ઉપર થી ૧ લાખનું ફર્નીચર અને ૧ લાખ જેટલો ખર્ચ પુસ્તકો અને મેગેઝીનો પાછળ થયો હતો. અને આ આખા પુસ્તકાલય ની ડિઝાઇન જે. સ્નેડ કે જેણે વોશિંગ્ટન ખાતે રહેલી “લાયબ્રેરી ઓફ કોંગ્રેસ” ડિઝાઇન કરી હતી એમના દ્વારા કરવામાં આવી હતી. તો વડોદરા ના આટલા સુંદર પુસ્તકાલય નું બાંધકામ કેવું હશે ? ચાલો જાણીએ.


વડોદરા મધ્યવર્તી પુસ્તકાલય નું બાંધકામ

વડોદરાના માંડવી સ્થિત આ લાયબ્રેરી ના ગ્રાઉન્ડ ફ્લોર ને કોટા સ્ટોન ટાઇલ્સ થી અને બાકીના ઉપર ના 3 ફ્લોર મોટી કાચ ની પ્લેટ થી તૈયાર કરવામાં આવેલું. કુલ ૭૧૯ ટાઇલ્સ ફિટ કરવામાં આવેલી કે જે બેલ્જિયમ થી ખાસ મંગાવામાં આવી હતી . પુસ્તકાલય પાસે 350 થી પણ વધારે રેક છે કે જે 3 લાખ થી પણ વધારે પુસ્તકો સમાવાની ક્ષમતા ધરાવે છે.


વડોદરા મધ્યવર્તી પુસ્તકાલય વિશે થોડું વિશેષ

ખાસ નવાઈની વાત તો એ છે કે જયારે ૨૦૦૧ માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે અહીંનું એક પણ પુસ્તક પોતાના સ્થાનેથી હલ્યું નહોતું.
ભારતનું આ સૌ પ્રથમ જાહેર પુસ્તકાલય અને સૌથી જૂનું પુસ્તકાલય ૨૮૯૯૬૬ જેટલો વિશાળ પુસ્તકો ના સંગ્રહ સાથે દરરોજ ના સરેરાશ ૧૭૭૫ વાંચકો ધરાવે છે.

હાલમાં તો આ પુસ્તકાલય માં અત્યાઆધુનિક પધ્ધતિઓ પણ અપનાવામાં આવી છે. પુસ્તકો આપ-લે કરવા માટે કોમ્પ્યુટરાઇઝડ સિસ્ટમ ગોઠવવાં માં આવી છે. અને બાળ વિભાગ માં વિડિઓ ની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

પુસ્તકો સાથે સમય વિતાવવો જ જોઈએ. આટલા સુંદર પુસ્તકાલય કે જ્યાં વિશાળ પુસ્તકો નો સંગ્રહ છે, ત્યાં સમય વિતાવવા થી ચિત્ત ને પોષણ મળે છે. તો આજ થી નક્કી કરીએ કે ગમે તેવા વ્યસ્ત દિનચર્યામાં માં પણ પુસ્તકો સાથે સમય વીતાવીશું. તો મિત્રો આપણી સંસ્કારી નગરી વડોદરાના આવા જ જુદા જુદા સ્થળો ની માહિતી મેળવવા અમારી સાથે જોડાયેલા રહો.

About the author

Deep Shah