વડોદરાથી થોડા અંતરે આવેલું ઝંડ હનુમાન મંદિર અને એની જાણવા જેવી બાબતો

ગુજરાતનું જાણીતું હનુમાન મંદિર એટલે ઝંડ હનુમાન. ઝંડ હનુમાનજીનું મંદિર જાંબુઘોડાના અભયારણ્યમાં, વડોદરાથી લગભગ 90 કી.મી ના અંતરે આવેલું છે. વડોદરાથી હાલોલ-બોડેલી થઈને ચાંપાનેર થી શિવરાજપુર અને ત્યાંથી લગભગ 20 કી.મી ના અંતરે ઝંડ હનુમાન મંદિર આવેલું છે. આ મંદિર અભયારણ્યની વચ્ચે આવેલું હોવાથી ખુબ જ રમણીય અને સુંદર લાગે છે. પૌરાણિક સમયમાં આ જગ્યા હિડિમ્બા વન તરીકે જાણીતું હતું અત્યારે તે જાંબુઘોડા અભયારણ્ય તરીકે ઓળખાય છે.

જાંબુઘોડાથી હનુમાન મંદિર જતા રસ્તામાં નાના નાના ઝરણાઓ અને ગાઢ જંગલ આવે છે અને વચ્ચે એક નાની નદી પણ આવે છે. પરંતુ પાણી બહુ છીછરુ હોવાથી જવામાં કોઈ તકલીફ નહિ પડે. મંદિર સુધી પહોંચવા માટે તમે ગાડી અથવા બાઈક લઈને જઈ શકો છો. પરંતુ બાઈક લઈને જવાનું કંઇક અલગ જ મજા આવે છે. ચોમાસામાં સૌથી વધારે આ જગ્યા પર મજા આવશે કેમ કે ચોમાસામાં અહિયાનું વાતાવરણ ખુબજ સરસ હોય છે અને લીલુંછમ જંગલ, પક્ષીઓના સુંદર અવાજથી મન પ્રફુલ્લિત બની જશે.

ઝંડ હનુમાનજી :  એક ચમત્કારિક પ્રતિમા

ઝંડ હનુમાનજી ની મૂર્તિ લગભગ ૧૮ ફૂટ જેટલી ઉંચી હશે અને આ મૂર્તિ ને સિંદુર, તેલ અને આકળાના હારથી શણગારવામાં આવે છે. મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે આ મૂર્તિને જો ડબ્બે ડબ્બા તેલ ચડાવવામાં આવે તો પણ તે પગના અંગુઠા સુધી પહોંચતું નથી. પરંતુ જો કોઈ ભક્ત શ્રધ્ધા અને ભક્તિભાવથી થોડું પણ તેલ ચડાવશે તો તે તરત જ અંગુઠા સુધી પહોંચી જશે. પણ હવે કોઈ ભક્તોને તેલ ચડાવવા દેવામાં આવતું નથી કેમ કે હવે ખુબજ મોટી સંખ્યામાં ભક્તજનો આવે છે એટલે તે શક્ય નથી.

અત્યારે હનુમાનજીના ડાબા પગના અંગુઠા સુધી તેલ પહોંચે તે માટે મંદિર ધ્વારા એક નીક બનાવામાં આવેલ છે એ નીકમાં જે ભક્તો ને તેલ ચઢાવું હોય તે આ નીકમાં તેલ ચડાવશે તો તે સીધું હનુમાનજીના ડાબા પગના અંગુઠા સુધી પહોંચી જશે અને ભગવાન બજરંગબલી તેમની દરેક મનોકામના પુરી કરશે. તેથી કરીને આ ઝંડ હનુમાનની મૂર્તિને ખુબ જ ચમત્કારી માનવામાં આવે છે.

હનુમાનદાદા ને ગદા અતિ પ્રિય હોવાથી વડોદરાના ભક્તોએ ૫૧ કિલોની પંચધાતુની ગદા અર્પણ કરેલ છે અને ૧૧ કિલોનો મુકુટ પણ અર્પણ કરેલ છે. કોઈ ભક્ત લવિંગની માળા અર્પણ કરે, તો કોઈ ભક્ત હનુમાન ચાલીસાની પુસ્તિકા અર્પણ કરે છે. અને આ રીતે ભક્તો તેમની બાધાઓ પૂર્ણ કરે છે. એક માન્યતા પ્રમાણે લોકો પગપાળા તેલનો ડબ્બો લઈને આવે છે અને હનુમાનજીને અર્પણ કરે છે.

મંદિરથી થોડાક અંતરે ભીમની ઘંટી

મંદિર થી થોડાક અંતરે ભીમની ઘંટી જોવા મળે છે. આ ઘંટી પથ્થરથી બનાવવામાં આવેલ છે. અને વજનમાં તો ૧૦૦ જેટલા માણસો પણ ઊંચકે તો પણ એમનાથી ના ઉંચકાય એટલી વજનદાર છે. અહીં આવતા દરેક ભક્તજનો આ ઘંટી જોઈને અચરજમાં પડી જાય છે. અને થોડાક અંતરે અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પીવા માટેનું પાણી કાઢેલું તે જગ્યા આવેલી છે. વનવાસ દરમિયાન દ્રૌપદીજીને ખુબજ તરસ લાગી હતી તો અર્જુને આ જગ્યાએ બાણ મારીને પીવા માટેનું પાણી કાઢ્યું હતું. અત્યારે આ જગ્યા એ એક કુવો બનાવી દેવામાં આવ્યો છે.

મંદિરની બહાર શ્રીફળ, તેલ, ફૂલ-હાર અને પ્રસાદી માટેની દુકાનો આવેલી છે અને ખાવાપીવા માટે પણ થોડી ઘણી દુકાનો આવેલી છે. આ જગ્યા ખુબજ સુંદર અને હરિયાળી હોવાથી અહિયાં બેસીને ખાવાની ખુબજ મજા આવશે અને ગ્રુપમાં આવતા લોકો ઘરેથી જ ખાવા માટે લઈને આવે છે અને એકસાથે ખાવાનો આનંદ ઉઠાવે છે.

શ્રાવણ માસના શનિવારે ખુબજ ભીડ જોવા મળે છે. આ દિવસે સૌથી વધારે શ્રીફળ અને તેલ ચઢે છે. મંદિર અભયારણ્યમાં આવેલું હોવાથી મંદિરનો વિકાસ બહુ કરી શકાતો નથી કેમકે તેનાથી પ્રાણીઓ અને પક્ષીઓને ખલેલ પહોંચી શકે છે. તો તમે પણ જો ઝંડ હનુમાન નથી ગયા તો એક વાર અચૂક જજો અને હનુમાનદાદા તમારી બધી જ મનોકામના પુરી કરશે.

About the author

Mihir Patel