વડોદરા થી ડાકોર – માણો સફરનો સંપૂર્ણ આનંદ!

ડાકોર ખેડા જીલ્લામાં આવેલું ગુજરાત રાજ્યનું એક મોટું યાત્રાધામ છે. અહિયાં ભક્તો ભગવાન રણછોડરાયના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દ્વારિકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાય એમ બંને જગ્યાએ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. દર પૂનમે ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. ફાગણી પૂનમે ખુબજ પ્રમાણમાં પગપાળા ભક્તો આવે છે.  


વડોદરાથી ડાકોર – જતા શું શું કરી શકાય?

વડોદરાથી ડાકોર જવા માટે બસ અથવા પ્રાઈવેટ ગાડી લઈને જઈ શકો છો. વડોદરાથી ડાકોર લગભગ ૬૦ કી.મી. ના અંતરે આવેલું છે. વડોદરાથી ડાકોર વાયા આણંદ ટ્રેન મારફતે પણ તમે જઈ શકો છો. ફાગણી પૂનમે સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવે છે કેમ કે એ વખતે ભક્તોની ખુબ જ ભીડ હોય છે. ટ્રાવેલ્સ એજન્સીઓ દ્વારા પણ ડેઈલી ટુર ગોઠવવામાં આવે છે.

ફાગણી પૂનમે વડોદરા થી ડાકોર પગપાળા જતા સંઘોની સંખ્યા ખુબ જ વધુ પ્રમાણમાં હોય છે. રસ્તાઓ જય રણછોડના નારાથી ગુંજી ઉઠે છે. રસ્તાઓમાં થોડા થોડા અંતરે સેવા સંસ્થાઓ દ્વારા કેમ્પોની વ્યવસ્થા કરવામાં આવે છે. કેમ્પ દ્વારા ફળ, છાસ, પાણી, ગરમ નાસ્તો વગેરે સેવા આપવામાં આવે છે.


ડાકોર નો ઈતિહાસ :

દ્વાપરયુગમાં ડંકમુની નામના ઋષિ દ્વારા ખુબજ આકરું તપ કરવામાં આવ્યું હત્તું અને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા હતા. ભગવાન ભોળાનાથ એ પ્રસન્ન થઈને એવા આશીર્વાદ આપ્યા કે આ ડાકોરની પવિત્ર ભૂમિમાં શ્રી કૃષ્ણ ભગવાન આવશે અને હું પોતે ડંકેશ્વર લિંગ તરીકે અહીંયા નિવાસ કરીશ. આજે પણ તમે ગોમતી તળાવના કિનારે ડંકેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો.

હવે ગોમતી તળાવના ઈતિહાસની વાત કરીએ તો એક વખત ભગવાન શ્રી કૃષ્ણ અને ભીમ આ ભૂમિ પરથી પસાર થતા હતા ત્યારે ભીમને ખુબજ તરસ લાગી. આ જગ્યા પર એક નાનો કુંડ હતો તેમાંથી ભીમે પાણી પીધું. આ પાણી ખુબ જ મીઠું હતું તેથી ભીમે વિચાર્યું કે જો આ કુંડ મોટો કરવામાં આવે તો આનું પાણી ઘણા લોકોને પાણી મળી રહે. ભીમે આ કુંડ પર ગદાનો એક મોટો પ્રહાર કર્યો અને કુંડ એક તળાવ જેટલો બની ગયો. આ કુંડ આજે ગોમતી તળાવ તરીકે ઓળખાય છે.


ડાકોરના મહાભક્ત બોડાણા વિષે જાણીયે :

ડાકોરમાં મહાભક્ત બોડાણા રહેતા હતા અને તે શ્રી કૃષ્ણ ભગવાનના ખુબજ મોટા ભક્ત હતા. દર પૂનમે ભક્ત બોડાણાનો ડાકોરથી દ્વારિકા દ્વારકાધીશના દર્શન કરવા જવાનો નિયમ હતો. ૭૦ વર્ષની ઉમર થઇ હોવા છતાં પણ આ નિયમ દ્રઢપૂર્વક પાડતા હતા. એમની આ તકલીફ જોઇને ભગવાન શ્રી કૃષ્ણે સપનામાં આવીને કહ્યું કે હું રણછોડરાય સ્વરૂપે જ દ્વારિકાથી ડાકોર આવીશ અને તમે આવતી પૂનમે ગાડું લઈને આવજો. બીજી પૂનમે ભક્ત બોડાણા ગાડું લઈને દ્વારિકા પહોંચી ગયા.

ભક્ત બોડાણા એ પુજારીને સપનાની વાત કરી કે ભગવાન દ્વારકાધીશ મારી સાથે ગાડામાં બેસીને ડાકોર આવવાના છે. તો દ્વારિકાના પૂજારીઓએ ભક્ત બોડાણા સામે એક શરત મૂકી કે ભગવાનને જો તમારે ડાકોર લઇ જવા હોય તો મૂર્તિના વજન જેટલું સોનું આપો તો જ તમને ભગવાન આપીશું.

ભક્ત બોડાણા ખુબ જ ગરીબ હતા એમની પાસે આટલું બધું સોનું આપવાની તાકાત હતી નહિ પરંતુ એમને ભગવાન શ્રી કૃષ્ણ પર અપાર શ્રદ્ધા હતી. એમની પત્ની પાસે એક સોનાની નાકની વાળી હતી. ત્રાજવામાં ભગવાનની મૂર્તિ સામે એ સોનાની વાળી મુકવામાં આવી તો વજન બંનેનું સમાન થયું. અને ભક્ત બોડાણાનો વિજય થયો. અને આજે જે મૂર્તિ ડાકોરમાં છે એ દ્વારિકાની મૂર્તિ છે.


ડાકોરનું મંદિર

ઇ.સ. ૧૭૭૨માં ડાકોરના મંદીરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરની ડીઝાઇનની વાત કરીએ તો સુંદર કલાકૃતિઓ અને વિશાળ શિખરથી ખુબ જ શોભે છે. ફાગણી પૂનમે મંદિરને સુંદર સજાવટ કરવામાં આવે છે. મંદિરમાં દર્શનનો સમય સવારે ૫ વાગ્યા થી બપોરના ૧૨ વાગ્યા સુધીનો હોય છે અને બપોરના ટાઇમે દર્શન બંધ હોય છે. દિવસમાં પાંચ ટાઇમ આરતીના દર્શનનો લાભ મળે છે. પુનમના દિવસે ભીડ હોવાથી મંદિરની બહાર એલ.ઈ.ડી સ્ક્રીન મુકવામાં આવે છે.

ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે

ડાકોર મંદિરમાં મગસના લાડુ પ્રસાદીમાં મળે છે. ગૌશાળામાં ગાયોને ચારો ખવડાવીને લોકો પુણ્ય કમાય છે કેમ કે શ્રી કૃષ્ણ ભગવાનને ગાયો ખુબજ પ્રિય છે. ડાકોરના પ્રખ્યાત ગોટાનો સ્વાદ તમને બીજે ક્યાંય નહીં મળે. લોકો ગોટા ખાવા ખાસ ડાકોર જાય છે.

ડાકોરમાં અન્ય દર્શન કરવાલાયક સ્થળમાં ડંકનાથ મહાદેવ મંદિર, લક્ષ્મીજી મંદિર અને બોડાણા-ગંગાબાઈ મંદિર વગેરે આવેલ છે. જન્માષ્ટમી જેવા ઉત્સવમાં ડાકોરમાં ભક્તોના ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે જેવા નારા થી મંદિર ગુંજી ઉઠે છે. તો બોલો શ્રી રણછોડરાયની જય.

About the author

Mihir Patel