હઝીરા મકબરા અને તેના વિશેની રસપ્રદ માહિતી

પ્રાચીન સમયથી જ ગુજરાત એ શિલ્પ કળા, સ્થાપત્ય કળા, સાહિત્યમાં પોતાનું યોગદાન આપ્યું છે. તો ચાલો આજે સ્થાપત્ય કળા નો ઉત્તમ નમૂનો એવા વડોદરાના હઝીરા મકબરા ની મુલાકાત લઈએ.

ભારતીય પુરાતત્વ વિભાગ ના સર્વેક્ષણ પ્રમાણે આ મકબરો ૧૫ મી સદીમાં બંધાયેલો છે એમ માનવામાં આવે છે. તો ચાલો આવી ઉત્તમ સ્થાપત્ય કળા ધરાવતા આ મકબરા ના ઇતિહાસ તરફ એક નજર ફેરવીએ.


શું કહે છે હઝીરા મકબરા નો ઇતિહાસ ?

હઝીરા ના મકબરામાં અકબરના પુત્ર અને વારસદાર સલીમના શિક્ષક કુત્તુબુદ્દીન મિર્ઝા અઝીઝ ની કબર છે. અકબરના દત્તક ભાઈ મિર્ઝા અઝીઝ કોકા ૧૫૭૩ થી ૧૫૮૩ ની વચ્ચે ત્રણ વખત ગુજરાતના સુબેદાર રહી ચુક્યા હતા. ઈ.સ ૧૫૮૩માં ગુજરાત સલ્તનતના છેલ્લા સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજા દ્વારા તેની હત્યા થઇ હતી.


 શું છે હઝીરા મકબરા ના સ્થાપત્યની વિશેષતા ?

હઝીરાનો મકબરો ઉત્તમ સ્થાપત્ય નો નમૂનો છે. અહીંના સ્થાપત્યની ખાસ વિશેષતા એ છે કે, અહીં મકબરો ઊંચા અષ્ટકોણીય મંચ પર બનાવવામાં આવેલો છે. આ મકબરાની ચારે બાજુમાં નાના દરવાજા આવેલા છે. આ દરવાજાની વચ્ચે પાંચ કમાનો આવેલી છે.

આ મકબરો દિલ્હીના મુગલકાલીન સ્થાપત્ય સાથે સામ્ય ધરાવે છે. આ મકબરા ના ભૂમિગત ઓરડા માં સાચી કબર મુકવામાં આવેલી છે જયારે, તેની ઉપર ના ઓરડા માં કબર ની પ્રતિકૃતિ મુકવામાં આવેલી છે. હઝીરા ના મકબરાની છત, કમાન અને પૂર્વ દિશાની જાળી પર અરબી લિપિ માં કુરાનની આયાતો કોતરેલી છે. મકબરાની છત ના છજ્જા ઉપર કાંગરી કૃતિ લાલ રંગ થી સુશોભિત છે. મકબરાના ગુંબજની નીચલા ભાગ ને લાલ રંગ ના જાડા થર થી લીંપવામાં આવ્યું છે. હઝીરા મકબરા ની આસપાસ બગીચો આવેલો છે. હાલમાં મુખ્ય રસ્તાની સામે ની બાજુ પર આવેલી વાવ થી પહેલા બાગના છોડને સિંચાઈ થતી હતી.


કેવી રીતે હઝીરા મકબરા ની મુલાકાત લઇ શકાય ?

હઝીરા મકબરો ઓ.એન.જી.સી. દંતેશ્વર પાસે આવેલો છે. વડોદરા રેલવે સ્ટેશન પાસેથી રીક્ષા કે સીટી બસની મદદથી મકબરા સુધી પહોંચી શકાય છે. અહીં કોઈ પણ પ્રવેશ ફી લેવામાં આવતી નથી.

કલાનગરી વડોદરામાં આવેલા આવા સુંદર સ્થાપત્ય ની મુલાકાત કલારસિકો એ લીધી જ હશે. આવા સુંદર સ્થાપત્યની મુલાકાત લેવાની બાકી હોય તો જરૂર થી મુલાકાત લેજો અને આવા નવીનત્તમ સ્થળોની માહિતી મેળવવા જોડાયેલા રહો અમારા પેજ સાથે.


 

About the author

Deep Shah