ફન સ્ટ્રીટ વડોદરા: રવિવારની સવારની શરૂઆત કરવાનું ઉત્તમ આયોજન

ફન સ્ટ્રીટ વડોદરા, નામ સાંભળીને જ જોશ આવી ગયું ને? વિચાર કરો, કેવું થતું હશે જ્યારે વડોદરાના સર્વે યુવાનો, વડીલો, બાળકો એક સાથે ભેગા મળીને મજા માણતા હોય. આવો જ દ્રશ્ય હોય છે, ઉનાળાના રવિવારની દરેક સવારનું. વડોદરાનું ફન સ્ટ્રીટ, જેની રાહ વડોદરાનું દરેક યુવાધન હંમેશા જોયા રાખે. અને આજ વિષય ઉપર છે અમારો લેખ, ફન સ્ટ્રીટ વડોદરા: રવિવારની સવારની શરૂઆત કરવાનું ઉત્તમ આયોજન. તો આવો જાણીએ, અમુક જાણવા જેવી બાબતો ફન સ્ટ્રીટ વિષે.

ફન સ્ટ્રીટ વડોદરા – કઈ રીતે થઇ શરૂઆત?

તો ફન સ્ટ્રીટની શરૂઆત, હેપી સ્ટ્રીટની પ્રેરણાથી થઇ હતી. હેપી સ્ટ્રીટના આયોજકોએ કાર્યક્રમનું આયોજન બંધ કર્યું. કિન્તુ, વડોદરાના લોકોને હેપી સ્ટ્રીટનું ઘેલું લાગી ગયું હતું. આ વાતને સમજી, વડોદરા મહાનગર સેવાસદને પોતે હેપી સ્ટ્રીટ જેવા જ કાર્યક્રમનું શહેરના અકોટા બ્રિજ પરના એક રસ્તા ઉપર કરવાની શરૂઆત કરી. ફંડની જ્યારે તકલીફ ઉભી થઇ, ત્યારે બેંક ઓફ બરોડા એ કાર્યક્રમને પ્રાયોજક તરીકેનું સમર્થન કર્યું. અને આ રીતે, બધા ના સાથ સહકારથી કાર્યક્રમની શરૂઆત થઇ.


ફન સ્ટ્રીટ વડોદરા – કાર્યક્રમને આવેલી અડચણો

કાર્યક્રમનું શરૂઆતમાં ખુબ જ વિરોધ પણ થયો. વિરોધ પક્ષના નેતાઓએ રજૂઆત પણ કરી કે જ્યારે વડોદરાના લોકોને પાયાની સુવિધાઓ પણ ના મળતી હોય, ત્યારે આટલો ખર્ચો કરવો વ્યર્થ છે. કાર્યક્રમના આયોજન અને આયોજકો સામે પ્રશ્નો ઉભા થયા અને આંગળીઓ પણ ચીંધાઇ. કિન્તુ, છેવટે બધાને વડોદરાના યુવાનોના જોમ સામે નમવું પડ્યું અને કાર્યક્રમ કોઈ પણ અડચણ વગર આયોજતું રહ્યું.

પછી, એક સમય એવો આવ્યો કે જ્યારે એ વિરોધીઓએ પણ પોતાના બેનર ફન સ્ટ્રીટમાં લગાવી પ્રયોજકોને પૈસા પુરા પાડ્યા. અને આ રીતે, ફન સ્ટ્રીટ એ બધાને પોતાનું ઘેલું લગાડ્યું છે. કાર્યક્રમના વિરોધીઓ પોતે કાર્યક્રમના સમર્થનમાં આવી જાય, એના થી વિશેષ શું શક્ય છે?


ફન સ્ટ્રીટ વડોદરા – શું શું કરી શકો છો તમે અહીંયા?

તો ફન સ્ટ્રીટનો આનંદ અબાલ વૃદ્ધ સૌ સાથે મળીને માણે છે. નાના છોકરાઓથી માંડી મોટી ઉંમરના દાદા દાદી, સૌ કોઈ સાથે મળીને ફન સ્ટ્રીટ ઉપર ફન મેળવી શકે છે. પ્રસ્તુત છે, પ્રવૃતિઓ જે તમે ફન સ્ટ્રીટ ઉપર માણી શકો છો.

  • ફન સ્ટ્રીટનું મુખ્ય આકર્ષણ, ત્યાં કરાવવામાં આવતું ઝુમ્બા નૃત્ય છે. બધા યુવાનો ભેગા મળી, ઝુમ્બાના તાલે તાલ મલાવી એક ઝુમ્બા નૃત્ય કરે છે. બધા સાથે ઝુમ્બા કરવામાં માજા આવી જાય, થોડું નૃત્ય પણ શીખી જવાય અને શરીરની કસરત પણ થઇ જાય. બીજું શું ફાયદો શોધો છો તમે?
  • જો તમને ઝુમ્બામાં રસ ના હોય, તોય તમે ફન સ્ટ્રીટ નો આનંદ માણી શકો છો. ત્યાં તમે રસ્તા ઉપર મિત્રો સાથે ક્રિકેટ, ફૂટબૉલ, સ્કેટિંગ, બેડમિંટન, ફોટોગ્રાફી, વૉલીબૉલનું આનંદ પણ માણી શકો છો.
  • ઉપરાંત વિવિધ સ્ટોલ પણ હોય છે, જ્યાં તમે નિશાન લગાવાની રમત રમી શકો છો, કાર્ટૂન સાથે ફોટો પડાવી શકો છો, શહેરના વિષે વિવિધ પ્રકારની માહિતી આપતા બેનર વાંચી શકો છો અને ઘણું બધું.
  • તદુપરાંત, ફન સ્ટ્રીટ શહેરના વિવિધ કલાકારોને પોતાની કળાને યોગ્ય માધ્યમ પૂરો પાડવા માટે પણ સહયોગ પૂરો પાડે છે. શહેરના વિવિધ રંગોળી ગ્રુપ હોય કે ઉભરતા ગાયકો અને સંગીતવાદ્ય વગાડનારા વિવિધ કલાકારો ફન સ્ટ્રીટ ઉપર આવી લોકો સમક્ષ પોતાની પ્રતિભા મૂકે છે અને નામના મેળવે છે.
  • ઉપરાંત, આજના જમાનામાં જ્યારે નાટ્યકલા ભુલાઈ રહી છે, ત્યારે ફન સ્ટ્રીટમાં આવા કલાકારો આવીને પોતાની પ્રતિભા બતાવે છે. આ રીતે આપણી સંસ્કૃતિ પણ યોગ્ય રીતે જળવાય છે. બોલો, કેટલું યોગ્ય અને જરૂરી છે ને આ માધ્યમ? મનોરંજન પણ થાય અને ઘણું બધું જાણવા અને શીખવા પણ મળે!
  • અને કઈ જ ના કરવું હોય, તોય તમે આવીને બધાને રમતા જોઈ શકો છો અને મોજ માણી શકો છો.

આશા છે, તમને ફન સ્ટ્રીટનો આ લેખ ગમ્યો હશે અને તાજી થઇ ગઈ હશે, ફન સ્ટ્રીટની તમારી યાદો. અને જો તમે, ફન સ્ટ્રીટનું આનંદ હજી સુધી માણ્યું નહિ હોય, તો તમને પણ ઈચ્છા થઇ હશે, ફન સ્ટ્રીટ આવવાની. તો રાહ જુઓ, આવતા ઉનાળાની અને જોડાયેલા રહો, અમારી સાથે. વડોદરાની વિવિધ બીજી જાણકારીઓ માટે આજ સરનામે.

About the author

Anupam Chaturvedi

Anupam Chaturvedi is a Prolific Writer, an Active Politician, Trainer, Poet, Blogger and a lot more! Always craving to keep learning in life is his main aim. Although being a Mechanical Engineer, his love for machines is endless, but when it comes to writing, nothing can stop him!