બાલાસિનોર ડાયનાસોર ફોસિલ પાર્ક અને એના રોચક તથ્યો!

શું તમને ખબર છે કે ગુજરાતમાં આવેલા મહીસાગર જીલ્લાના બાલાસિનોરના રૈયોલી ગામમાં ડાયનાસોરના અવશેષો મળી આવેલ છે??? તો ચાલો આજે આપણે આ રોમાંચક વિષય, બાલાસિનોર ડાયનાસોર ફોસિલ પાર્ક પર વાત કરીશું.

રૈયોલી ગામમાં સાડા છ કરોડ વર્ષ પહેલાના ડાયનાસોરના ઈંડા મળી આવેલ છે. અહિયાં ડાયનાસોરના હજારથી વધુ ઈંડાઓ મળી આવેલ છે. એટલે આ જગ્યા સંશોધનકર્તાઓ માટે આ જગ્યા ખુબ જ પ્રખ્યાત છે. યુનેસ્કો દ્વારા આ જગ્યાએ ડાયનાસોર ફોસિલ પાર્ક વિકસાવવામાં આવ્યું છે.


બાલાસિનોર ડાયનાસોર ફોસિલ પાર્ક નો ઈતિહાસ

સૌ પ્રથમ ૧૯૮૩ માં અચાનક જ ડાયનાસોર ના અવશેષો મળી આવ્યા હતા. આ જગ્યા પર ખનીજ વિભાગ દ્વારા સંશોધન થતું હતું. આ અવશેષો મળ્યા બાદ આ જગ્યા પર દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓ આવવા લાગ્યા. એ સમયના બાલાસિનોરના મહારાણી આલિયા સુલતાન બાબીનો આ પાર્કના વિકાસ પાછળ ખુબ મોટો ફાળો છે. જેથી કરીને તે ડાયનાસોર રાજકુમારી તરીકે ઓળખાતા હતા. તેમનું અંગ્રેજી ખુબજ સારું હોવાથી દુનિયાભરના વૈજ્ઞાનિકોના સંશોધનમાં ખુબ જ મદદરૂપ બનતા હતા.

પછી ૨૦૦૩ ની સાલમાં ડાયનાસોરની ટાયરોનાસૌરસ રેક્સ નામની પ્રજાતિ મળી આવેલી હતી. જે અવશેષો મળી આવ્યા તે “રાજાસોરસ નર્મડેન્સિસ” નામથી ઓળખાય છે અને બીજી એવી તો ૭ જાતની પ્રજાતિઓ મળી આવેલ હતી. અહીંયા ગુજરાત ઇકોલોજીકલ એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા રિસર્ચ કરવાનું ચાલુ છે. આ જગ્યા પર ખુબ જ મોટા ડાયનાસોરના અવશેષો મળી આવ્યા છે જે ભારતમાં બીજે કોઈ જગ્યા પર મળી આવ્યા નથી.

આ જગ્યા પર તમને ડાયનાસોરના ચામડીના અવશેષો, હાડકાઓ, ઈંડાની રીંગો અને અશ્મિભૂત અવશેષો જોવા મળશે. દુનિયામાં આ એક જ એવી જગ્યા છે કે તમે ડાયનાસોરના છ કરોડ વર્ષ જુના અવશેષો અને ઈંડા સ્પર્શ કરી શકશો.

પરંતુ ગુજરાત પ્રવાસન વિભાગે આ પાર્કના વિકાસમાં જરાય પણ રસ દાખવ્યો નથી. ગુજરાત પ્રવાસન વિભાગે પાર્ક બનાવવા માટે ૫ વર્ષનો સમય માંગ્યો હતો પરંતુ હજી સુધી કામ પૂરું કરવામાં આવ્યું નથી. ભારત કે દુનિયાના બીજા કોઈ દેશ તો શું પણ ગુજરાતના લોકો ને જ ખબર નથી કે ગુજરાતના બાલાસિનોરમાં ડાયનાસોર ફોસિલ પાર્ક આવેલો છે.

બાલાસિનોર રજવાડાઓની ભૂમિ છે જ્યાં હજી પણ તેમના વારસદારો રહે છે. પ્રવાસીઓ માટે ગાર્ડન પેલેસ હેરિટેજ હોટેલમાં રહેવાની સુવિધા ખુબજ સારી છે. અને બીજું તમે પાર્કમાં કેમ્પ ડાયનાસોર તંબુમાં પણ રહી શકો છો. તો તમે હજી સુધી આ પાર્કની મુલાકાત લીધી નથી તો એક વાર અચૂક આ પાર્કની મુલાકાત લેજો.

આશા છે, તમને બાલાસિનોર ડાયનાસોર ફોસિલ પાર્ક પર અમારો લેખ ગમ્યો હશે. આવી અનેકો અનેક માહિતી માટે, જોડાયેલા રહો અમારી સાથે.

About the author

Mihir Patel