વડોદરા થી સરદાર સરોવર ડેમ : માણો સફરનો સંપૂર્ણ આનંદ

સરદાર સરોવર ડેમ એ ભારતનો સૌથી મોટા ડેમમાંથી એક ગણવામાં આવે છે. આટલી વિશાળ જળ યોજના એ ભારત માટે ગર્વ લેવા જેવી વાત છે. ભારતના ગુજરાતમાં નર્મદા જીલ્લાના કેવડીયા નજીક નર્મદા નદી પર આ વિશાળ ડેમ બાંધવામાં આવેલ છે. આ ડેમથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ ચાર રાજ્યોને લાભ મળે છે.

વડોદરા થી સરદાર સરોવર ડેમ : કઈ રીતે જવાય?

આજે વાત કરીશું કે ગઈ દિવાળી વેકેશનમાં અમારું આખું ફેમિલી સરદાર સરોવર ડેમની મુલાકાતે ગયું હતું અને કેવી મોજ-મઝા કરી હતી. ભાઈબીજના દિવસના સવારે બે ગાડી લઈને અમે નીકળ્યા અને બાયપાસ હાઈવે પસાર કરીને ડભોઇ રોડ ઉપર આવી ગયા. અમારા બધાનું પહેલેથી જ આયોજન હતું કે વચ્ચે ડભોઇના પ્રખ્યાત લાલભાઈની ભજીયાવાલો આવશે એટલે સવારે કોઈએ નાસ્તો કર્યો નહોતો. ત્યાં પહોંચીને જોયું તો ખુબ જ ભીડ હતી પણ બધાની માંગ હતી કે ભજીયા ખાધા વગર આગળ જવાનું નથી. ખુબજ રાહ જોયા પછી અમારો ઓર્ડર આવી ગયો અને તીખા તમતમતા મરચા અને ચટણી સાથે ભજીયા ખાવાની ખુબ જ મઝા આવી.

ડભોઇ થી સીધા અમે રાજપીપળા થઇ ને શૂલપાણેશ્વર મહાદેવના મંદિર ગયા. પ્રથમ શૂલપાણેશ્વર મંદિર ડેમના ઉપરવાસમાં ડૂબી જવાથી તંત્ર દ્વારા નવું મંદિર બનાવવામાં આવેલું છે. અહીંયા અમારા આખા ફેમિલીએ ખુબ જ ભાવપૂર્વક દર્શન કર્યા. ત્યાંથી અમે સીધા સરદાર સરોવર ડેમ તરફ પ્રયાણ કર્યું. એ પહેલા આપડે આ યોજનાનો ઈતિહાસ જાણવો જરૂરી છે.

સરદાર સરોવર ડેમ યોજના નો ઈતિહાસ

સરદાર વલ્લભભાઇ પટેલનું સપનું હતું કે આ યોજનાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે અને ઘેર ઘેર સુધી પીવા માટેનું પાણી મળે. ૧૯૪૬ ની વચગાળાની સરકારમાં સૌ પ્રથમ વાર સરદાર પટેલે આ યોજના માટેનો પ્રસ્તાવ મુકેલો. અને આઝાદી પછી ૧૯૫૯ માં આ યોજના પર દરખાસ્ત મુકવામાં આવી. અને બે જ વર્ષમાં દરખાસ્ત પાસ થઇ ગઈ અને ૧૯૬૧ માં શિલાન્યાસ કરવામાં આવ્યો. પરંતુ પાણીના બાબતે રાજ્યો વચ્ચે સમંતિ થઇ શકી નહિ. અને આવી તો અનેક પ્રકારની રુકાવટો આવતી રહી જેમ કે ડૉ. ખોસલા સમિતિ ધ્વારા ખુબ જ વિરોધ કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું હતું કે આ યોજનાથી પર્યાવરણને નુકસાન પહોંચી શકે છે. પરંતુ ધીમે ધીમે કરીને યોજના આગળ ચાલતી રહી.

૨૦૦૧ માં મુખ્યમંત્રી પદ પર શ્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા અને તમને આ યોજનાને ખુબ જ પ્રાધાન્ય આપ્યું. તેમને ડેમની ઉંચાઈ વધારવા માટે ખુબજ પ્રયત્નો કર્યા અને તેમાં તે સફળ પણ રહ્યા. હાલમાં જ સુપ્રીમ કોર્ટ ધ્વારા ડેમની ઉંચાઈ ૧૩૮.૬૮ મીટર સુધી પરવાનગી આપવામાં આવેલ છે.

સરદાર સરોવર ડેમ તરફ પ્રવેશ કરીએ

સૌ પ્રથમ ડેમની હદમાં પ્રવેશવા માટે પ્રવેશ ટીકીટ લેવી ફરજિયાત છે. અમારી બંને ગાડી અને સભ્યોની ટીકીટ લઈને અમે અંદર પ્રવેશ કર્યો. ત્યાંથી આગળનો રસ્તો ખુબ જ મઝા પડે એવો છે. રસ્તાની બાજુમાંથી પાણીની નહેર પસાર થતી હોય અને આજુબાજુ ખુબજ હરિયાળી વૃક્ષો છે. અમે તો ત્યાં રસ્તા ની બાજુમાં જ ગાડી પાર્ક કરીને ફોટા પડાવા લાગ્યા. ફોટા પડાવા માટે આ એક ખુબજ સુંદર જગ્યા છે. પછી ત્યાંથી સીધા અમે ડેમના વ્યુપોઈન્ટ પર પહોંચી ગયા. ચોમાસું જતું રહ્યું હોવાથી ડેમ ઓવરફલો થતો નહોતો પણ એ જગ્યા પર ઉભા રહીયે તો ખુબ જ ઠંડો અને આહલાદક પવન આવતો હતો અને બધાનું મન પ્રફુલ્લિત બની ગયું હતું. ફોટોગ્રાફી માટે આ જગ્યા ખુબજ સરસ છે. અને અહીંયા ડેમ નો ઈતિહાસ જાણવા માટે એક ફોટો ગેલેરી પણ બનાવવામાં આવેલ છે.

ત્યાંથી અમે નહેર તરફ જતા રસ્તા પર ગયા અને રસ્તાની બાજુમાં મુખ્ય ત્રણ મોટા તળાવ આવે છે. પહેલા તળાવમાંથી બીજા તળાવમાં પાણી જાય છે અને એમ તબક્કાવાર ત્રીજા તળાવમાંથી મુખ્ય નર્મદા નહેરમાં પાણી છોડવામાં આવે છે. આ નહેર ૫૩૨ કી.મી લાંબી છે જે દુનિયાની ત્રીજા નંબરની લાંબી નહેર છે.

આ યોજનામાં બે પાવર હાઉસ છે એક ૧૨૦૦ મેગાવોટ અને બીજું ૨૫૦ મેગાવોટ છે. આ જળવિદ્યુત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યને આપવામાં આવે છે. પાવરહાઉસ ની મુલાકાત માટે પહેલેથી જ ગાંધીનગર નર્મદા નિગમમાંથી પરમિશન લઈને જવું પડે છે. પરમિશન વગર કોઈ પણ મુલાકાતીને અંદર જવા માટે પ્રતિબંધ છે.

આ રીતે અમારા આખા ફેમીલી એ આખો દિવસ ખુબજ ધમાલ અને મસ્તી સાથે મઝા કરી. અને પછી ત્યાંથી અમે ઝરવાણી ધોધ તરફ પ્રયાણ કર્યું. તો મિત્રો તમે જો સરદાર સરોવર ડેમની મુલાકાત નથી લીધી તો અચૂક એકવાર જઈ આવજો. 

About the author

Mihir Patel