ચાલો આજે ટૂંકમાં જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ નું જીવન ચરિત્ર!

ગુજરાતે કેટ કેટલા મહાપુરુષો આપ્યા આપણા દેશ ને ! ગાંધીજી કે પછી સરદાર વલ્લભભાઈ પટેલ. આ સિવાય બીજા કેટલાય મહાપુરુષો છે, જેમને દેશ ની આઝાદી માં પોતાનું યોગદાન આપ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી અને આઝાદી પછી પણ દેશ ને એક અખંડ રાષ્ટ્ર બનાવવા પોતાનું યોગદાન આપ્યું છે. તેઓ હંમેશા દેશ ને પીઠબળ પૂરું કરવાવાળા સાબિત થયા છે.


સરદાર વલ્લભભાઈ પટેલના કેટલાક અંગત પ્રસંગો

વલ્લભભાઈનો જન્મ આમ તો મોસાળ નડિયાદમાં થયો હતો. પિતા ઝવેરભાઈની ખેતી હતી કરમસદમાં, તેથી તેઓનું મૂળ રહેઠાણ કરમસદમાં ગણાય. વકીલાત કરવી હતી એમને. આમ તો એમના જન્મ તારીખની નોંધ ક્યાંય લેવાઈ નથી. પણ મેટ્રિકની પરીક્ષા વખતે વલ્લભભાઈ પટેલે તેમની જન્મતારીખ ૩૧ ઓક્ટોબર નોંધાવી હતી.

પરિવારને વલ્લભભાઈની શકિતનો પરિચય નહીં હોય કદાચ એટલે જ પરિવારે મેટ્રિકની પરીક્ષા પછી વલ્લભભાઈ કોઈ ધંધો કે નોકરી કરશે એવું વિચાર્યું હતું. પણ વલ્લભભાઈની યોજના કંઈક અલગ હતી. તેમને વકીલાત કરી વિદેશ જઈ બેરિસ્ટર થવું હતું.

પણ માણસે ઘણી વાર પરિવાર સામે, સમાજ સામે ઝુકવુ પડતું હોય છે. વલ્લભભાઈએ વિદેશ જવા માટે પૈસા બચાવવાની શરૂઆત ખુબ વહેલી કરી દીધી હતી. પૂરતા પૈસા ભેગાં થયા પછી તેમને પોતાના સપના પુરા કરવા તરફ એક ડગ માંડવાનું વિચાર્યું. પરંતુ તેમને કરાવેલી ટિકિટ તેમને મળવાની જગ્યાએ મોટાભાઈ વિઠ્ઠલને મળી. ટિકિટ પર વી.જે.પટેલ એવું સંક્ષિપ્ત નામ હતું. મોટાભાઈ ની પણ વિદેશ જવાની યોજના તો હતી જ, મોટાભાઈ ખિજાયા આમ મોટાભાઈ પહેલા નાનોભાઈ જાય એ યોગ્ય ના કહેવાય. તેથી પરિવાર ની આબરૂ ને માન આપી વલ્લભભાઈએ પોતાની ટિકિટ પર મોટાભાઈ વિઠ્ઠલ ભાઈને જવાની મંજૂરી આપી. આવા હતા આપણા વલ્લભભાઈ!


સરદાર વલ્લભભાઈ પટેલ ના મક્કમ મનોબળ વિશેના પ્રસંગો

એક વાર સરદાર વલ્લભભાઈ પટેલ ને બગલમાં ગૂમડું થયું હતું. ત્યારે હજામના હાથમાંથી ધગધગતો સળીયો લઇ ગુમડા પર મૂકી દીધો હતો, હજામ પણ એ વખતે થરથરી ગયો હતો. આવા નિર્ભય હતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ!

આવો જ બીજો એક પ્રસંગ છે, વલ્લભભાઈની પત્ની ઝવેરબાઈનું મુંબઈમાં સફળ શસ્ત્રક્રિયાના અંતે પણ મોત નીપજ્યું હતું. જયારે વલ્લભભાઈની પત્નીનું મોત નીપજ્યું ત્યારે તેઓ કોર્ટમાં મુકદ્દમો ચલાવી રહ્યા હતા અને આ દરમિયાન પત્ની ના મૃત્યુ નો તાર મળ્યોને એમને જરા પણ વિચલિત થયા વિના એ ચબરખી ખિસ્સામાં મૂકી દીધી ને મુકદ્દમો લડવાનું ચાલુ રાખ્યું હતું . અંતે તેઓ મુકદ્દમો જીતી ગયા અને ત્યારબાદ બધાને વલ્લભભાઈની પત્નીના મૃત્યુની જાણ થઇ હતી.


સ્વતંત્રતામાં વલ્લભભાઈ અને સરદાર સુધીની સફર

બારડોલીમાં ખેડૂતોને કરમુકિત માટે વલ્લભભાઈએ બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ લીધું. બારડોલી સત્યાગ્રહ સફળ રહ્યો અને વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યું.

આઝાદી પછી ૫૭૨ જેટલા દેશી રજવાળાઓને ભેગા કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાને માથે ઉઠાવ્યું. ખુબ જ કુનેહપૂર્વક આ કામ ઉકેલ્યું. સાથે સાથે હૈદરાબાદ અને જૂનાગઢ ના અલગ થવાના પ્રશ્નોને પણ વલ્લભભાઈ પટેલે ખુબ કુનેહપૂર્વક ઉકેલ્યા. આમ સરદાર વલ્લભભાઈ પટેલ એક આદર્શ, નિર્ભય અને દેશને પીઠબળ પૂરું પાડવા વાળા નેતા હતા. તેમની કુનેહ શકિત ગજબની હતી. આજે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સરદાર સરોવર ડેમ ખાતે વિશ્વ ની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા બનવા જઈ રહી છે, આ વાતને ભારતીય પ્રજા અને ગુજરાતી પ્રજા ખુબ ગૌરવભેર વધાવી રહ્યા છે. આવા નીડર નેતા ને શત શત નમન.

About the author

Deep Shah