People - Famous Personalities who Made Vadodara Proud By Anupam Chaturvedi / October 24, 2017 અતુલ પુરોહિત, એમને કોઈ ઓળખ ની જરૂર નથી. એક શાસ્ત્રીય ગાયક તરીકેની એમની પ્રતિભા બિરદાવવા લાયક છે. તેઓ ગરબાના ગાયક તરીકે સૌથી વધારે પ્રસિદ્ધ છે. વડોદરાના સહુથી પ્રસિદ્ધ ગરબામાં થી એક, યુનાઇટેડ વેમાં એ યુવાનોને પોતાની તાલે નચાવે છે. ગરબે ઘુમતા યુવાનોને ‘ચાલો બેટા’ બોલી એ ઉર્જાથી ભરી દે છે. અતુલ પુરોહિત – શું છે એમનો ઇતિહાસ? શ્રી અતુલ પુરોહિતનો જન્મ ૨૭ ફેબ્રુઆરી, ૧૯૫૭ ના રોજ ડભોઇ તાલુકાના ઢોલર ગામમાં થયો હતો. બાળપણથી તેઓ સંગીત અને ગાયન પ્રેમ કરતા હતા. તેમણે દસ વર્ષની વયે પોતાનું પ્રથમ હાર્મોનિયમ મેળવી અને પોતાની જાતને શીખવાની શરૂઆત કરી. અડગ મનના માનવને હિમાલય પણ નડતું નથી, એ રીતે એમની મેહનત ફળી અને સંગીતના આગળના અભ્યાસ માટે એમને વડોદરા તરફ મીટ માંડી. તેઓ નાટ્યશાસ્ત્રના અભ્યાસ માટે વડોદરાની સંગીત કોલેજમાં જોડાયા. શરૂઆતમાં તેમણે અહીંની સ્થાનિક ગલીઓમાં અને સ્થાનિક કલાકારો સાથે નિઃશુલ્ક કામ કરવાનું શરૂ કર્યું. આ રીતે ધીમે ધીમે, એમની ગાયક તરીકેની પ્રતિભા ધીમે ધીમે લોકો સમક્ષ ખીલતી ગઈ. કિન્તુ, આગળનો પથ કઠિન હતો. છતાં તેઓ અડગ રહ્યા અને હૃદયપૂર્વક કામ કરતા રહ્યા. આ રીતે તેમને લોકચાહના મેળવી. અતુલ પુરોહિત – કઈ રીતે આગળ વધ્યા? ૧૯૮૩ વર્ષમાં તેમણે પોતાના ૫ મિત્રો સાથે “રિષભ” નામના સંગીત જૂથની સ્થાપના કરી. તેમના સહુથી પ્રસિદ્ધ ગીતોમાં નું એક “તારા વીના શ્યામ” એ ઇતિહાસ રચ્યો. એજ આલ્બમ “તારા વીના શ્યામ” એ તેમને વિશ્વ વિખ્યાત ગરબા ગાયક બનાવ્યું અને તેમને વિશ્વભરમાં ખ્યાતિ મેળવી. વર્ષ૧૯૯૨ માં તેમણે અન્ય એક જૂથ “રુતુમ્ભરા ગ્રુપ” ની સ્થાપના કરી. રુતુમ્ભરા ગ્રૂપની સ્થાપના પછી અતુલ પુરોહિત એ ક્યારેય પાછળ ફરીને જોવાની જરૂર નથી પડી. છેલ્લા ૨૦ વરસથી રુતુમ્ભરા ગ્રુપ, શહેર અને વિશ્વભરમાં પ્રખ્યાત યુનાઇટેડ વે ના ગરબામાં ગાય છે. ખરેખર, વડોદરાની નવરાત્રી જેમ યુનાઇટેડ વે વગર અધૂરી છે. એમ જ અતુલ પુરોહિત અને એમના રુતુમ્ભરા ગ્રુપ વગર યુનિએટેડ વે અધૂરું છે. અતુલ પુરોહિત – પુરસ્કારો અને સમ્માનો સંગીતના ક્ષેત્રમાં એમનું યોગદાન જોઈને ગુજરાત રાજ્ય સરકારે એમને વર્ષ ૨૦૧૪-૨૦૧૫ નું ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ એનાયત કર્યું છે. આ રીતે તેઓની ખ્યાતિ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, કિન્તુ વિશ્વભરમાં છે. એમના કાર્યક્રમોને કોઈ પણ પ્રકારની સીમા નડી નથી. વિદેશોમાં પણ એમના કાર્યક્રમોને ખુબ જ સફળતા મળી છે. એમને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ માં પણ કાર્યક્રમો કર્યા છે અને એ કાર્યક્રમો ખુબ જ સફળ નીવડ્યા છે. આપણા અતુલ કાકામાં સમયની સાથે પણ ઘણું પરિવર્તન આવ્યું છે. ટેક્નોલોજીના બદલાતા યુગ સાથે એમને પોતાની અંદર પરિવર્તન કર્યું છે. તેમના ગાયેલા ગીતો અને ગરબા આજે આઈ ટ્યુન, એમેઝોન, શાઝામ, સ્પોટીફાઈ, ગાના ડોટ કોમ અને સાવન મ્યુઝિક ઉપર પણ ઉપલબ્ધ છે. સોશ્યિલ મીડિયા અને વેબસાઈટના માધ્યમથી તેઓ સતત એમના ચાહકોની જોડે જોડાયેલા હોય છે. અતુલ કાકા એ ભક્તિ ગીતોમાં પણ લોકપ્રિયતા મેળવી છે. તેઓ નવરાત્રી સિવાયના સમયમાં સુંદરકાંડ અને ભજનના કાર્યક્રમો પણ કરે છે. જ્યાં પણ તેઓ જાય, એમનું જાદુ પ્રસરાઇને આવે છે. શ્રી અતુલ પુરોહિતની પ્રસિદ્ધિ દિવસે દિવસે વધતી જાય છે. અને એજ ગતિ સાથે વધે છે એમના ચાહકોની સંખ્યા. આશા છે, વડોદરા તથા વિશ્વભરના એમના ચાહકોને એમના કંઠથી થતું મધુર ગાયનોનું રસપાન લાંબા સમય સુધી મળતું રહેશે.