લવની ભવાઈ: પિક્ચરની સમીક્ષા અને અન્ય જાણવા લાયક બાબતો

લવની ભવાઈ, આ પિકચર જોયા પછી લાગી આવે છે કે હવે ગુજરાતી ચલચિત્રો પણ લોકોમાં રસ જગાવે એ તરફ મીટ માંડી રહ્યા છે. એક પ્રખ્યાત રેડિયો જોકી, એક વગદાર બિઝનેસમેન અને એક કમ્પ્યુટર એન્જીનીર ની આજુબાજુ ફરતી આ વાર્તામાં ઘણી એવી વસ્તુઓ છે. જે તમને પિકચર જોવાનો લ્હાવો આપશે. તો જાણો, શું છે આ પિકચરમાં અમારા આજના લેખમાં, લવની ભવાઈ: પિક્ચરની સમીક્ષા અને અન્ય જાણવા લાયક બાબતો.


લવની ભવાઈ: શું છે પિકચરની વાર્તા?


પિકચરની શરૂઆત થાય છે આરજે અંતરા સાથે. અંતરા, જે અમદાવાદની સૌથી પ્રખ્યાત રેડિયો જોકી છે અને યુવાનોના હૃદય પર રાજ કરે છે. અંતરાને પ્રેમમાં લગીરેય વિશ્વાશ નથી. એનો એક કાર્યક્રમ છે લવ લાઈન, જેમાં એ પ્રેમી યુગલોને પ્રેમ સંબંધને લગતી સલાહો આપે છે. મલ્હાર ઠક્કર, જેમને સાગર દેસાઈનું પાત્ર ભજવ્યું છે. એક એન્જીનિયર છે, જેના અત્યાર સુધી ૨૩ બ્રેક અપ થઇ ચુક્યા છે. અને અત્યારે એને એક છોકરી ગમે છે, જેનું નામ છે સ્વાતિ.

પિકચરનો અન્ય એક ચર્ચાસ્પદ કિરદાર છે આદિત્ય શાહ, જે એક વગદાર બિઝનેસમેન છે. અંતરા અને આદિત્ય એક કાર્યક્રમમાં ભેગા થાય છે, જેમાં આ બંનેને સૌથી પ્રભાવશાળી યુવા તરીકેનો પુરસ્કાર મળે છે.બંને વચ્ચે ત્યાર થી મૈત્રી જામે છે અને ટૂંક સમયમાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો છે, એવી અફવાહો છાપામાં ફેલાવવા લાગે છે. છતાં બંને મળવાનું કે જોડે કોફી પીવાનું ટાળતા નથી. એક વાર, સાગરની ગર્લફ્રેન્ડ સ્વાતિ અંતરાના કાર્યક્રમમાં કોલ કરે છે અને અંતરા પાસેથી સલાહ માંગે છે. એજ સાંજે, વેલેન્ટાઈન્સ ડે ની સાંજે, સાગર સ્વાતિને પ્રપોઝ કરે છે. કિન્તુ, સ્વાતિ એને ના પાડી જતી રહે છે.

થોડા સમય પછી, સાગરને જાણવા મળે છે કે સ્વાતિનું ના પાડવાનું કારણ બીજું કોઈ નહિ પણ આરજે અંતરા છે. એટલે, બદલો લેવાનું સંકલ્પ કરી સાગર એના મિત્રો સાથે આગળની રણનીતિ નક્કી કરે છે. અહીંયા અંતરા ડીયુ જવાની તૈયારી કરતી હતી એમાં સાગર પણ એની જ બસમાં આવી ગયો. ડીયુમાં જોડે ફરતા ફરતા બંને વચ્ચે ક્યારે પ્રેમ થઇ ગયો, એની કોઈને ખબર ના પડી. સાગરની સાથે એનો એક પત્રકાર મિત્ર પણ હતો, જે છુપાઈને બંને જણાના ફોટા પાડતો હતો. આ ફોટાનો ઉપયોગ એ લોકો અંતરાને બદનામ કરવા માટે વાપરવાના હતા.


લવની ભવાઈ: શું થાય છે આગળ?


કિન્તુ, સાગરને અંતરા સાથે પ્રેમ થઇ જતા, એ એના પત્રકાર મિત્રને ફોટા છાપામાં છાપવા માટે ના પાડે છે. સાગરની બહેનના જન્મદિવસે અંતરા સાગરના ઘરે આવે છે. સાગરના રૂમમાં જતા, એને સાગરના લેપટોપમાં એમના ડીયુ આ ફોટા દેખાઈ આવે છે. અંતરા ને બધું સમજાઈ જાય છે. અને એ, સાગરને ફરી ક્યારેય મોઢું ના બતાવતો એવું કહીને જતી રહે છે. આજ સમયગાળામાં આદિત્ય, જેને અંતરા માટે છુપી લાગણી હોય છે, એ અંતરા ને પ્રપોઝ કરે છે. અંતરા થોડા સમય પછી, આદિત્યના પ્રસ્તાવને હા પાડી દે છે.

એક બાજુ બંનેના લગનની તડામાર તૈયારીઓ ચાલુ થઇ ગઈ હોય છે. બીજી બાજુ, સાગર અંતરાને મનાવવાના પ્રયાસો શરુ કરે છે. સાગર અંતરાને એક પત્ર લખી પિઝાના બોક્સમાં મોકલાવે છે. આદિત્ય એ પત્ર વાંચી જાય છે. અહીંયા, પત્રકારનો બોસ અંતરા અને આદિત્યના લગનના દિવસે જ અંતરા અને સાગરના ડીયુ ના ફોટા પ્રસિદ્ધ કરવાનું લક્ષ્ય ધરાવે છે. સાગરને ખબર પડતા, એ ત્યાં જઈને એની પેન ડ્રાઈવ લઈને નદીમાં ફેંકી દે છે. કિન્તુ, આ ઝગડામાં એનો ફોન ત્યાં જ પડી જાય છે.

અંતરાના લગનથી દુઃખી થઈને, સાગર એક બાજુ જઈને બેસી જાય છે. અહીંયા, આદિત્યને જણાયું કે અંતરા સાગર સાથે વધુ ખુશ થશે, એમ વિચારીને લગનના દિવસે જ અંતરાને પૂછે છે. અંતરા એ સાગર માટે લાગણીઓ હોવાનું કબૂલ કરતા જ આદિત્ય, પોતાની જ વધૂને લગનમાંથી ભગાડી સાગર પાસે લઇ જાય છે. કિન્તુ, સાગરનો ક્યાંય અત્તો પત્તો નહોતો. એટલે, અંતરા રેડિયો સ્ટુડિઓમાં જઈ અમદાવાદવાસીઓને વિનંતી કરે છે કે સાગરને શોધવામાં એમની મદદ કરે. અંતે, અંતરા સાગરને શોધી લે છે અને બંને ભેગા થઇ જાય છે.


ખુબ જ રમૂજ ભર્યા સંવાદોથી ભરપૂર આ પિકચર તમને એક આહદલક અનુભવ પૂરું પાડશે. તમારે તમારા પ્રિય પાત્ર સાથે આની મોજ માણવી રહી. આશા છે, તમને ગમ્યું હશે અમારું આ લેખ, લવની ભવાઈ: પિક્ચરની સમીક્ષા અને અન્ય જાણવા લાયક બાબતો.

About the author

Anupam Chaturvedi

Anupam Chaturvedi is a Prolific Writer, an Active Politician, Trainer, Poet, Blogger and a lot more! Always craving to keep learning in life is his main aim. Although being a Mechanical Engineer, his love for machines is endless, but when it comes to writing, nothing can stop him!