વડોદરાની શિવજી કી સવારી: વડોદરા માટે ગર્વ લેવા જેવો ઉત્સવ

વડોદરામાં મહાશિવરાત્રિના પવિત્ર મહાપર્વના દિવસે શિવજી ની ભવ્ય સવારી નીકળે છે. અને આખું શહેર શિવ શિવ અને હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠે છે. સૌ પ્રથમ ૨૦૧૩ ની સાલમાં શિવજી કી સવારીની શરુઆત કરવામાં આવી હતી. અને આજે પણ એજ પરંપરા અનુસાર શિવજી ની સવારી નીકળે છે.

સત્યમ શિવમ સુંદરમ સમિતિ ધ્વારા આ સવારીનું આયોજન કરવામાં આવે છે. આ શોભાયાત્રાનું એક વિશેષ મહત્વ એ છે કે આવી યાત્રા તમને ભારતમાં ફક્ત વડોદરામાં જ જોવા મળશે.શિવભકતો શિવજી ની સવારી માટે શિવરાત્રી ના કેટલાય દિવસ પહેલાથી તૈયારીઓ કરવા લાગે છે. આ સવારીને તમે જગન્નાથજી ની રથયાત્રા સાથે પણ સરખાવી શકો છો. તેથી કરીને આ સવારી ખાસ કરીને શીવભક્તો માટે ખુબજ મહત્વ અને આકર્ષણ ધરાવે છે.

શિવજી કી સવારી ના રથ અને પ્રતિમા વિશેની રસપ્રદ વાતો

બ્રહ્મલીન પ.પૂ. શ્રી પ્રમુખ સ્વામીના આશીર્વાદથી શ્રી સત્યમ્ શિવમ્ સુંદરમ્ સમિતિ દ્વારા અને સ્વ. ઇન્દુમતી ઠાકોરભાઇ પટેલ ટ્રસ્ટના સહયોગથી શિવ પરીવારની સાડા આઠ ટનની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભવ્ય પ્રતિમા બનાવવા માટે શહેર ના મુસ્લિમ બિરાદર ગુલામઅલી ઇબ્રાહીમ દૂધવાલાએ નિશુલ્ક સેવા આપી છે અને રથનું વાયરીંગ અમઝદભાઇ કુદરતભાઇ પઠાણ ધ્વારા કરવામાં આવું છે. ટ્રકને મોડીફાઈ કરીને લગભગ ૩૦ ટનનું વજન ખમી શકે તે રીતે રથ તૈયાર કરવામાં આવ્યો છે. રથને શ્રધ્ધાળુ દોરડા વડે ખેંચવાના હોવાથી તેમાં કોઈ મોટર મુકવામાં આવી નથી ફક્ત બ્રેક માટે એક કોમ્પ્રેશરની ગોઠવણ કરાઇ છે. જ્યારે જનરેટરના એ.સી. કરંટને ડી.સી. કરંટમાં રૂપાંતર કરી આપવાની સેવા એલાઇડ કંપનીના હરીકાકાએ પૂરી પાડી છે.

શિવજી કી સવારી : કેવો હોય છે ભોલેનાથનો પરિવાર????

દર શિવરાત્રીના પવિત્ર દિવસે શિવ પરિવાર એક વિશાળ રથમાં પોઠિયા પર સવાર થઈને વડોદરાના રાજમાર્ગો પર નગરચર્યા માટે નીકળે છે. પ્રતિમાની વાત કરીએ તો ભોલેનાથની પ્રતિમા ૬.૨ ફૂટ, પાર્વતીજીની પ્રતિમા ૫ ફૂટની અને તેમના ખોળામાં ૨.૬ ફૂટના શ્રીબાલગણેશ બિરાજમાન છે. આ શિવ પરિવારની પ્રતિમા પંચધાતુમાંથી બનાવામાં આવેલી છે. અને એમની સાથે ૫ ફૂટના કાર્તિકેયજીની પ્રતિમા અને નારદજીની પ્રતિમાનું  સ્થાપન કરવામાં આવેલું છે.

શિવજી કી સવારી : શિવભકતો ધ્વારા દિવસ-રાતની મહેનત :

શિવજી ની સવારી માટે શિવભકતો ધ્વારા દિવસ-રાત એક કરીને તડામાર તૈયારીઓ કરવામાં આવે છે. સૌ કોઈ શિવમય બનીને સવારીની તૈયારીઓમાં લાગી જાય છે. સવારી જે રસ્તા પરથી જવાની હોય તે રસ્તાઓ પર આસોપાલવના તોરણ બાંધવામાં આવે છે અને સમગ્ર માર્ગ પુષ્પમાળાથી સજાવવામાં આવે છે. રસ્તાઓની બંને બાજુ રંગબેરંગી રોશની લગાવવામાં આવે છે.

શિવજીની સવારીની શરૂઆત રણમુકતેશ્વર મહાદેવ મંદિર થી કરવામાં આવે છે અને ત્યાંથી ચોખંડી, માંડવી, ન્યાયમંદિર, સુરસાગર, રાઉપુરા રોડ, કોઠી ચાર રસ્તા થઈને શિવપુરી આવે છે. સુરસાગર પર સુર્વેશ્વર મહાદેવ ની મહાઆરતી કરવામાં આવે છે.

મહાશિવરાત્રિના પવિત્ર પ્રસંગે દેવોના દેવ મહાદેવ સહપરિવાર સાથે વડોદરાના રાજમાર્ગ પર નગરચર્યા કરવા નીકળે છે. શિવજી કી સવારી નાં વિરાટ સુશોભીત રથને દોરડા વડે ખેંચી પુણ્ય કમાવા માંગતા હજારો ભક્તો આવે છે. ઢોલ નગારા સાથે રમઝટ બોલાવતી ભજન મંડળીઓ અને ડી.જે. સાથે વિવિધ વેશભૂષા સાથે અનેક ભક્તો જોડાય છે.  

લાખો ભક્તો માટે ઠેર ઠેર પીવાના પાણી,શરબત અને ફરાળી પ્રસાદ વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. અને આ સવારીમાં સ્કેટીંગ કરતા બાળકો અને અલગ અલગ જુથવાર રંગબેરંગી ડ્રેસ પહેરવામાં આવે છે. સવારી દરમ્યાન અલગ અલગ મંડળો ધ્વારા થોડા થોડા અંતરે ડી.જે. ની વ્યવસ્થા કરવામાં આવે છે અને શિવભજન વગાડીને સવારીનું સ્વાગત કરવામાં આવે છે.

આ એક એવો ઉત્સવ છે જે અવિસ્મરણીય , અદભૂત, આસ્થા અને પ્રેમ નો અનેરો સંગમરૂપી અવસર છે. તો ચાલો આપડે દેવો ના દેવ મહાદેવ ને પ્રાથના કરીએ કે અમને તમારી ભક્તિ કરવાની શક્તિ આપજો અને હર વર્ષે તમારી આવી જ સવારીમાં ભાગરૂપ થઇ શકીએ એવી કૃપા રાખજો.

 

About the author

Mihir Patel